લખ મને..!
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને.
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને.
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને.
" અનુભવી" ના જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને.
- મનીષ પરમાર
'અનુભવી' સુંશીયા, સુરેન્દ્રનગર
Comments
Post a Comment